હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો
STD 11 ACCOUNT IMP QUESTION
STD 11 ACCOUNT MOST IMP QUESTION
અગત્યની માહીતી
હજારો વર્ષ પહેલાં રખડતું જીવન જીવતા માનવીએ કાળક્રમે અને અનુભવે અંતે નદીકિનારે વસવાટ કર્યો…
કાર્યની વહેંચણી થઈ અને વસ્તુઓની જરૂરિયાતના કારણે વિનિમયની શરૂઆત થઈ…
પરિણામે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિની શરૂઆત થઈ…
પરંતુ આ પદ્ધતિની ઘણી મર્યાદાના કારણે નાણાંની શોધ થઈ.
વસ્તુ નાણું ખરીદે છે અને નાણું વસ્તુ ખરીદે છે…
જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે, તેને નાણાકીય અર્થવ્યવસ્થા કહે છે…
સંચાલકીય હિસાબી પદ્ધતિના પ્રકારો :-
1. નાણાંકીય હિસાબી પદ્ધતિ
2. પડતર હિસાબી પદ્ધતિ
3. સંચાલકીય હિસાબી પદ્ધતિ
દ્વિનોંધી નામાપદ્ધતિમાં હિસાબો તૈયાર કરવાના આધારો :-
1. વેપારી ધોરણે
2. રોકડના ધોરણે
હિસાબો તૈયાર કરવાના તબક્કા :-
1. આમનોંઘ / પેટાનોંધ
2. ખાતાવહી ખતવણી
3. કાચું સરવૈયું
એક વાક્યમાં જવાબ આપો.
1. ધંધામાં મૂડી કોના દ્વારા આપવામાં આવે છે ?
જવાબ :- ધંધામાં મૂડી માલિક દ્વારા આપવામાં આવે છે.
2. ઘાલખાધ ધંધા માટે શું કહેવાય છે ?
જવાબ :- ઘાલખાધ ધંધા માટે નુકશાન છે.
3. સ્થિર નાણાં મૂલ્ય એટલે શું ?
જવાબ :- ભૂતકાળમાં ખરીદવામાં આવેલ મિલકત એ જ કિંમતે ભવિષ્યમાં પુનઃ સ્થાપના કરી શકાતી હોય, તો તેને સ્થિર નાણાં મૂલ્ય કહે છે.
4. દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે શું ?
જવાબ :- દ્વિનોંધી નામા પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો, જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાં સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે.
5. મળેલ વટાવ એ ઉપજ છે કે ખર્ચ તે જણાવો.
જવાબ :- મળેલ વટાવ એ ઉપજ છે.
પારિભાષિક શબ્દો
1. મૂડી :-
જવાબ :- ધંધાના માલિકે ધંધો ચલાવવા માટે પૂરી પાડેલ રકમને મૂડી કહે છે.
આ રકમ તરીકે ધંધાનો માલિક રોકડ, માલ કે મિલકત ધંધામાં લાવે છે.
માલિકે ધંધાને આપેલ અવેજ એટલે મૂડી.
માલિક અવેજ આપનાર હોવાથી આ રકમ માલિકના મૂડી ખાતે જમા કરવામાં આવે છે.
મૂડી એટલે જવાબદારી કરતા મિલકતનો વધારો.
2. ઉપાડ
જવાબ :- ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધાની માલિકીની ચીજવસ્તુ, સેવા, રોકડ કે અન્ય મિલકતો મેળવે તેને ઉપાડ કહે છે.
ઉપાડની રકમની મૂડીમાંથી બાદ કરવામાં આવે છે.
ઉપાડની રકમથી મૂડીમાં ઘટાડો થાય છે.
માલિક ધંધાને મૂડી આપે છે, જ્યારે ધંધો માલિકને ઉપાડ આપે છે.
3. મિલકત
જવાબ :- મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ / બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું આર્થિક મૂલ્ય હોય.
મિલકતના પ્રકારો :-
(૧ ) બિન ચાલુ મિલકતો :- જે મિલકતો એક વર્ષથી વધુ સમયગાળાની હોય તેને બિનચાલુ મિલકતો કહે છે. ૧. દ્રશ્ય મિલકત અને ૨. અદ્રશ્ય મિલકત.
(૨) ચાલુ મિલકતો :- જે મિલકતોનો સમયગાળો એક વર્ષ કરતા ઓછા સમયનો હોય તેને ચાલુ મિલકતો કહે છે.
સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે.
(૩) અવાસ્તવિક મિલકતો :- જે મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, તેને અવાસ્તવિક મિલકત કહે છે.
તેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે.
4. દેવું
જવાબ :- ધંધાની લેવડ – દેવડ અંગે જે રકમો વેપારીએ ચૂકવવાની બાકી હોય તેને દેવું કહે છે.
દા.ત. લેણદારો, દેવીહૂંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવકો.
(૧) ચાલુ દેવું :- એક વર્ષથી ઓછી મુદતમાં ચૂકવવાપાત્ર દેવું.
(૨) લાંબાગાળાનું દેવું :- એક વર્ષથી વધુ મુદતમાં ચૂકવવાપાત્ર દેવું
5. લેણું
જવાબ :- ધંધાની લેવડ – દેવડ અંગે જે રકમો વેપારીએ મેળવવાની બાકી હોય તેને લેણું કહે છે.
દા.ત. દેવાદારો, લેણીહૂંડી, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલ ખર્ચ.
6. દેવાદારો
જવાબ:- વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને શાખ પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકોને દેવાદારો તરીકે ઓળખવામાં આવે છે.
દેવાદારો ચાલુ મિલકત છે.
7. લેણદારો
જવાબ :- જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે છે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે.
લેણદારો ચાલુ દેવું છે.
8. ખર્ચા
જવાબ :- ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારોને પરિણામે નાણાં ચૂકવવામાં આવે તેને ખર્ચા કહે છે.
દા.ત. ચૂકવેલ મજૂરી, યંત્રની ખરીદી
9. મહેસૂલી ખર્ચ
જવાબ :- જો ખર્ચેલ રકમનો લાભ જે – તે હિસાબી સમય પૂરતો હોય, તો તે ખર્ચેલ રકમને ખર્ચ કે મહેસૂલી ખર્ચ કહે છે.
10. ધંધાકીય વ્યવહાર
જવાબ :- બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે માલ કે સેવાના નાણાંના બદલામાં થતાં વિનિમયને ધંધાકીય વ્યવહાર કહે છે.
11. આવક :-
જવાબ :- કોઈ વાસ્તવિક પ્રવૃત્તિ દ્વારા જે કોઈ રકમ પ્રાપ્ત થાય તેને આવક કહે છે.
માલ વેચવાથી કે સેવા આપવાથી મળેલ રોકડ.
આવકના બે પ્રકાર છે :-
(૧) મૂડી આવક
જવાબ :- મિલકતોનું વેચાણ કે લાંબાગાળાનું દેવું કરી પ્રાપ્ત કરેલ રકમને મૂડી આવકો કહે છે.
દા.ત. યંત્ર વેચાણની આવક, ડિબેંચર બહાર પાડતા થયેલ આવક.
મૂડી આવકો ધંધામાં નિયમિત અને વારંવાર મળતી નથી.
(૨) મહેસૂલી આવક
જવાબ :- ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી નિયમિત સ્વરૂપે મળતી આવકને મહેસૂલી આવકો કહે છે.
દા.ત. મળેલ દલાલી, મળેલ વ્યાજ, માલના વેચાણ દ્વારા મળેલ રકમ.
મેહસુલી આવકો ધંધામાં નિયમિત અને વારંવાર મળતી રહે છે.
12. પડતર :-
જવાબ :- કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે, તે ખર્ચાઓના સરવાળાને પડતર કહે છે.
13. ઉધાર
જવાબ :- દ્વિનોંધી નામા પદ્ધતિમાં ખાતાની ડાબી બાજુને ઉધાર કહે છે.
14. જમા
જવાબ :- દ્વિનોંધી નામા પદ્ધતિમાં ખાતાની જમણી બાજુને ઉધાર કહે છે.
15. ખાતું
જવાબ :- ખાતું એટલે અમુક સમય માટે વ્યક્તિ, માલ, મિલકત, ઉપજ કે ખર્ચ અંગેની લેવડ – દેવડની વિગતોને રજૂ કરતું હિસાબી તારણ એટલે ખાતું.
એક જ પ્રકારના વ્યવહારોને અન્ય વ્યવહારોથી અલગ પાડવા માટે રાખવામાં આવતું પદ્ધતિસરનું તારણ એટલે ખાતું.
16. ઉપજ
જવાબ :- જ્યારે વસ્તુ કે સેવા આપવામાં આવે અને તેની સામે અવેજ મળે કે મળવાના બાકી રહે તેવા અવેજને ઉપજ કહે છે.
ઉધાર વેચાણમાં વેચાણની રકમ મળવાની બાકી હોવા છતાં ઉપજ ગણાય.
17. સ્ટોક
જવાબ :- સ્ટોક એટલે ખરીદેલ માલ પૈકી વધેલ માલ.
18. આંતરિક જવાબદારી
જવાબ :- ધંધાએ માલિકને ચૂકવવાની રકમને ધંધાની આંતરિક જવાબદારી કહે છે.
19. ઉધારવું
જવાબ :- ઉધારવું એટલે ખાતાની ઉધાર એટલે કે ડાબી બાજુએ હિસાબી નોંધ લખવું.
20. ખરીદી
જવાબ :- પેઢી ધંધાનો માલ રોકડેથી, ચેકથી કે ઉધાર મેળવે તેને માલની ખરીદી કહે છે.
વેપારી જ્યારે ધંધામાં માલ ખરીદે ત્યારે ખરીદ ખાતે ઉધારાય છે.
21. વેચાણ
જવાબ :- પેઢી ધંધાનો માલ રોકડેથી, ચેકથી કે ઉધાર ગ્રાહકને આપે તેને માલનું વેચાણ કહે છે.
વેપારી જ્યારે ધંધામાં માલ વેચે ત્યારે વેચાણ ખાતે જમા કરાય છે.
22. નફો
જવાબ :- મહેસૂલી આવક અને મહેસુલી જાવક વચ્ચેના તફાવતને નફો કહે છે.
23. નુકશાન
જવાબ :- નુકશાન એટલે કોઈ પણ પ્રકારનો લાભ મેળવ્યા વગર ગુમાવેલ રકમ.
દા.ત. અકસ્માતમાં નાશ પામેલ માલની રકમને નુકશાન કહેવાય.
24. લાભ :-
જવાબ :- ધંધાને આનુષંગિક વ્યવહારમાંથી મળેલ નફાને લાભ કહે છે.
દા.ત. જૂનું ફર્નિચર વેચતા થયેલ નફો.
25. વ્યવહાર
જવાબ :- બે વ્યક્તિ કે સંસ્થા વચ્ચે થયેલ લેવડ – દેવડ, આપ – લે અને અદલા – બદલી એટલે વ્યવહાર
26. બનાવ
જવાબ :- બનાવ એટલે વ્યવહારમાંથી ઉદભવેલ પરિણામ કે પરિસ્થતિ.
27. વેપારી વટાવ
જવાબ :- વેપારી દ્વારા ગ્રાહકને વેચાણ સમયે છાપેલી કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહે છે.
વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી.
28. રોકડ વટાવ
જવાબ :- માલ ખરીદનાર નાણાં વહેલા કે નિયત સમયમર્યાદામાં ચૂકવે તે હેતુથી આકર્ષણરૂપે રોકડની આપ – લે વખતે આપવામાં આવતા વતાવને રોકડ વટાવ કહે છે.
રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે.
નીચેના પ્રશ્નોના ટુંકમાં જવાબ આપો.
1. વર્તમાન સમયમાં નાણામાં કયા ચલણનો ઉપયોગ કરવામાં આવે છે ?
જવાબ :- વર્તમાન સમયમાં નાણામાં સિક્કાઓ, પેપર ચલણ અને પ્લાસ્ટિક ચલણનો ઉપયોગ કરવામાં આવે છે.
2. ભારતના સમર્થ ઇતિહાસકારો કોનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ સમજાવે છે.
જવાબ :- ચાણક્યના અર્થશાસ્ત્રનો
3. પ્રવર્તમાન સમયમાં વસ્તુ ખરીદવા કે સેવા પ્રાપ્ત કરવા ફેરબદલીના માધ્યમ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
જવાબ :- નાણાંનો
4. જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે, તેને કઈ રીતે ઓળખવામાં આવે છે ?
જવાબ :- નાણાકીય વ્યવસ્થા
5. દેવાદારો કઈ મિલકત ગણવામાં આવે છે ?
જવાબ :- ચાલુ મિલકત
6. ઘસારો એ ધંધાનો કેવો ખર્ચ છે ?
જવાબ :- ઘસારોએ ધંધાનો બિન રોકડ ખર્ચ છે.
7. સદ્ધર વ્યક્તિ કોને કહે છે ?
જવાબ :- જેની મિલકતો તેની જવાબદારી કરતા વધારે હોય તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં સદ્ધર વ્યક્તિ કહે છે.
8. હિસાબો લખવાની પ્રાચીન પદ્ધતિ કઈ છે ?
જવાબ :- દેશી નામા પદ્ધતિ
9. વેપારી ધોરણે હિસાબો તૈયાર કરતાં કયા વર્ષના વ્યવહારો નોંધવામાં આવે છે ?
જવાબ :- તે જ વર્ષના તમામ વ્યવહારો
10. રોકડના ધોરણે હિસાબો તૈયાર કરતાં કયા વર્ષના વ્યવહારો નોંધવામાં આવે છે ?
જવાબ :- તે જ વર્ષના ફક્ત રોકડના વ્યવહારો