તત્વચિંતનની એક મહત્વની પદ્ધતિ તેમજ સતતત્વ ક્રિયાશીલ છે એમ રજૂ કરતી તેની શાખા. જેમ અનુરૂપતા, સંવાદિતા, સુસંગતતા, અ-વિરોધ એ સત્યના માપદંડ છે તેમ વ્યવહારવાદ એ સત્યનો માપદંડ છે.
અંગ્રેજીમાં પ્રયોજાતો ‘પ્રૅગ્મા’ એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ કાર્ય છે. તેને વ્યવહાર-પ્રયોજિત કાર્ય પણ કહેવામાં આવે છે. આ શબ્દ અને શાખા પર સૌપ્રથમ 1878માં ચાર્લ્સ પિયર્સે એક લેખ લખ્યો.
‘આપણા વિચારોને શી રીતે સ્પષ્ટ કરવા’ એ તેનું શીર્ષક હતું. તેમાં પિયર્સે એ બાબત રજૂ કરી કે માન્યતાઓ એ આપણા કાર્ય માટેના નિયમો છે. વિચારના અર્થો નિશ્ચિત કરવા તેમાંથી કેવાં કાર્યો પરિણમે છે તે જોવું જોઈએ. તેનું મહત્વ એ તેનું કાર્ય છે.
વિલિયમ જેમ્સ (1842-1910) આ મુદ્દાને વ્યવહારવાદના નિર્દેશક તરીકે લે છે. એ કહે છે કે આ પદ્ધતિ નવીન નથી. સૉક્રેટિસ, ઍરિસ્ટોટલ પ્રાચીન સમયમાં તેમના હિમાયતી હતા. અર્વાચીન સમયમાં જે. એસ. મિલ, જર્મનીમાં સીમેલ, ફ્રાન્સમાં બ્લોન્ડેલ અને ઇટાલીમાં પાપીની છે.
આમ છતાં આ પદ્ધતિ મુખ્યત્વે અમેરિકન છે. તેનું કારણ એ છે કે જોન ડ્યૂઈ (1859-1952) તે પદ્ધતિ અને શાખાના પ્રખર પ્રવર્તક હતા. ડ્યૂઈ શિકાગો વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ અને તત્વજ્ઞાન-વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ હતા. તેમણે શિક્ષણની વિવિધ પદ્ધતિઓ અને સંસ્થાઓને વિકસિત કરવામાં મુખ્ય પ્રદાન કર્યું હતું.
બાળ-શિક્ષણ, તાલીમ અને મનોવિજ્ઞાનના વિસ્તારમાં ડ્યૂઈએ પોતાનાં પુસ્તકો, લોકસંપર્ક, વ્યાખ્યાનો અને કાર્ય-પ્રયોગો દ્વારા મહત્વનો ફાળો આપ્યો હતો. તર્કશાસ્ત્ર, તત્વચિંતન, જ્ઞાનમીમાંસા, કેળવણી અને શૈક્ષણિક મનોવિજ્ઞાનના વિષયોની સમજૂતીમાં ડ્યૂઈએ અમેરિકામાં ભારે પ્રભાવ પાડ્યો હતો.
એક સમયે અમેરિકામાં ડ્યૂઈ અને શિક્ષણ પર્યાયવાચી પદો બની ગયાં હતાં.
વિલિયમ જેમ્સે 1890માં ‘પ્રિન્સિપલ્સ ઑવ્ સાઇકૉલૉજી’ ગ્રંથ લખ્યો અને પ્રકાશિત થયો. તેઓ અમેરિકાના હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં તત્વજ્ઞાનના પ્રાધ્યાપક હતા. તત્વચિંતન, ધર્મ, મનોવિજ્ઞાન અને જ્ઞાન- મીમાંસાના વિષયોમાં તેમણે મહત્વનું પ્રદાન કર્યું હતું. ઇંગ્લૅન્ડમાં એફ.સી.એસ. શિલર (1864-1937) માનવતાવાદ અને વ્યવહારવાદના પ્રખર હિમાયતી હતા. તેમણે સત્યના સંવાદિતાના માપદંડનો વિરોધ કર્યો.
ઓગણીસમી સદીના અંતભાગમાં સંવાદિતાનો માપદંડ અને વ્યવહારવાદી માપદંડના હિમાયતીઓ વચ્ચે જે વિવાદ થયો તે નોંધપાત્ર છે. આનુભવિક દૃષ્ટિબિંદુથી એવી દલીલ કરવામાં આવે છે કે જ્યારે દૃષ્ટિ સમક્ષ મેજ રહ્યું છે ત્યારે તેને કોઈ વ્યાપક ફલકમાં ગોઠવવાની કે સંદર્ભમાં મૂકવાની જરૂરિયાત ઉપસ્થિત થતી નથી.
સંવાદિતાનો માપદંડ એ કારણ વિનાની પૂર્વધારણા છે. વિચારવાદી કે આદર્શવાદી ચિંતક તેનો એમ ઉત્તર વાળશે કે મેજ અંગે જે ઇન્દ્રિયગમ્ય અનુભવ થાય છે એથી સમગ્ર મેજનો અનુભવ થતો નથી. પરંતુ અમુક ઇન્દ્રિયપ્રદત્તો છે અને તેને અમુક સમદૃષ્ટિમાં ગોઠવવા પડે છે.
જેથી સમગ્ર મેજનો અનુભવ થઈ શકે અને મેજને ‘મેજ’ કહેવા માટે તેને બૌદ્ધિક સામાન્ય વર્ગના એક સભ્ય તરીકે ઓળખવું પડે છે. જો છૂટા છૂટા પ્રદત્તો નજર સમક્ષ રજૂ થાય અને બુદ્ધિ દ્વારા સંકલનની કોઈ બૌદ્ધિક યુક્તિ ન હોય તો છૂટા પ્રદત્તોને મેજ તરીકે ઓળખી શકાતા નથી. આમ ભૂતકાળમાં અનુભવેલા પ્રદત્તોને સંવાદિત સમદૃષ્ટિમાં કે બુદ્ધિ દ્વારા રચાયેલા વર્ગમાં ગોઠવવા પડે છે.
બીજી એવી ટીકા કરવામાં આવે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સ્વયંસિદ્ધ સત્યની ધારણા પર આ સંવાદિતા-સિદ્ધાંત આધારિત છે. આની વિરુદ્ધ ડૉ. એ. સી. યુઇન્ગ દલીલ કરે છે કે 2 + 2 = 4 એ સાચું સ્વીકારવામાં આવે છે, કારણ કે એ આપણી બૌદ્ધિક વ્યવસ્થામાં સામેલ થયા વિના તેને સમજી શકાય નહિ. 2 + 2 = 5 એ વિધાનને સાચું સ્વીકારી શકાય નહિ, કારણ કે સંખ્યાના સમગ્ર ખ્યાલ સાથે એ સુસંગત જણાતું નથી. આ ઉપરાંત ડૉ. એફ. સી. એચ. શિલર સંવાદિતાના માપદંડ વિરુદ્ધ એવી ટીકા કરે છે કે કદાચ એમ ધારી લેવામાં આવે કે વિધાનોની સંવાદિત વ્યવસ્થા એ નિરપેક્ષપણે સાચી હોવી જોઈએ, છતાં બે અપૂર્ણ સિદ્ધાંતોમાંથી જે વધુ સંવાદિત હોય એ ઓછા સંવાદિત ખ્યાલ કરતાં સંપૂર્ણ સત્યની વધુ નજીક છે એવું તેમાંથી ફલિત થતું નથી;
કારણ કે પર્વતની ટોચ ઉપર લઈ જતા બે રસ્તાઓમાંથી એક રસ્તો ખરેખર ત્યાં લઈ જાય છે એમ જાણવા મળે અને બીજો રસ્તો તદ્દન નિરાશાજનક સાંપડવાના સમાચાર મળે. પરંતુ પછીથી એમ જણાય કે આશાજનક રસ્તો અમુક અંતર પછી તદ્દન સીધા ચઢાણવાળો દેખાય છે ત્યારે બીજો નિરાશાજનક રસ્તો છેલ્લે લક્ષ્ય સુધી પહોંચાડે છે – એ રીતે બે સિદ્ધાંતોમાંથી જે વધુ સંવાદિત છે એ વ્યાવહારિક દૃષ્ટિથી દોષયુક્ત જણાય અને જે ઓછી માત્રામાં સંવાદિત સિદ્ધાંત છે એ થોડા સમય બાદ વધુ વ્યવસ્થિત અને સંવાદિત જણાય અને ઉત્તમ સત્ય તરફ લાવે તેવું બને.
ડૉ. શિલર જે ચેતવણી દર્શાવે છે એ સંવાદિતાના સિદ્ધાંતની મહત્વની ત્રુટિ તરફ અંગુલિનિર્દેશ કરે છે. સત્યની શોધ કરવામાં સંભવિતતાના આધારે આગળ વધાય અને અંતિમ સત્ય અને સત્તા વિશે એકદમ ઉચ્ચારણ કરવામાં સજાગ રહેવાય એ જરૂરી છે.
સંવાદિતાના હિમાયતીઓ જે વધુ પડતો ઉત્સાહ બતાવે છે અને વધુ વ્યાપક વ્યવસ્થિત સત્યને રચવા માટે પ્રેરાય છે તે સામે ડૉ. શિલરની ચીમકી ઉપયોગિતા પરત્વે યોગ્ય દોરવણી આપે તેમ છે.
સંવાદિતાના માપદંડમાંથી સત્ય અને સત્વની માત્રાઓનો સિદ્ધાંત ફલિત થાય છે; પરંતુ જો સત્યની માત્રાઓ હોય તો કોઈ પણ વસ્તુ, પરિસ્થિતિ કે સંજોગ તદ્દન ખોટો હોઈ શકે નહિ. જો અંતિમ રીતે ‘નિરપેક્ષ સત્ય’ નિષ્ક્રિય હોય તો આ પરિવર્તનનો શો સત્તાકીય દરજ્જો છે એ એફ. એચ. બ્રેડલી સ્પષ્ટ કરતા નથી.
ઓગણીસમી સદીના અંતમાં વિલિયમ જેમ્સે નિરપેક્ષ સત્તાના ખ્યાલને ‘વિકાસશૂન્ય’ તરીકે લેખ્યો અને સંવાદિતાના માપદંડની ટીકા કરી. વ્યવહારવાદ એમ માને છે કે વિચારો અને વિધાનોને સીધી રીતે સત્યના દાવા સાથે સંબંધ નથી; પરંતુ તેની સાથે સક્રિય સંકલ્પના સંતોષને સંલગ્ન કરવાથી સત્યમાં તે પરિવર્તિત થાય છે.
જેમ્સ કહે છે કે વિચારો અને વિધાનો સ્વયં યથાર્થ નથી. વિચાર અને વિધાન વચ્ચેની અનુરૂપતાને વ્યવહારવાદ મહત્વ આપે છે, કારણ કે આ પ્રકારની અનુરૂપતાથી વ્યક્તિને સંતોષ પ્રાપ્ત થાય છે.
જેમ્સ ‘પ્રૅગ્મેટિઝમ’ ગ્રંથમાં કહે છે કે ‘માન્યતાને પુષ્ટિ આપનાર જે શુભ તત્વ તરીકે પુરવાર થાય છે તેને સત્ય કહેવાય છે.’ શિલર એમ કહે છે કે ‘અમુક હેતુ માટે મૂલ્યવાન, ચોક્કસ પરિસ્થિતિને અનુકૂળ હોય તે સત્ય કહેવાય છે.’
જેમ્સ અને શિલર બંને સત્યને શુભનો પેટાપ્રકાર લેખે છે; પરંતુ આ શુભ એ સ્વત: અથવા આંતરિક શુભ નથી; પરંતુ શુભ એટલે વિશેષ હેતુ અને ‘ફાયદા’ના સંદર્ભમાં એ મૂલ્ય તરીકે છે.
જેમ્સ પ્રમાણે કોઈ પણ વિચાર મનુષ્યના જીવનમાં કેટલો ઉપયોગી છે, મનુષ્યનાં લક્ષ્ય સિદ્ધ કરવામાં કેટલો કામનો છે, મનુષ્યની સમસ્યાઓ ઉકેલવામાં કેટલો ઉપકારક છે અને જીવન્ત પ્રાણીઓ તરીકે વાતાવરણના પદાર્થો સાથે કામ પાડવામાં વિચારો મનુષ્યને કઈ રીતે મદદરૂપ થાય છે તે મહત્વનું છે અને આ જ દૃષ્ટિબિંદુ pragmatismનું દૃષ્ટિબિન્દુ છે.
લાંબે ગાળે મનુષ્યને જે હિતકારક નીવડે તે જ સત્ય. વિચારો મનુષ્યને કાર્ય કરવામાં મદદરૂપ થાય, માર્ગદર્શક બને તે જ મહત્વનું છે. તેની અંતિમ સત્યતાનું સ્વરૂપ સમજવાનો પ્રશ્ર્ન મહત્વનો નથી; એટલે કે વિચારોની cash-value કેટલી છે તે જોવાની રહે છે, ક્રિયાના સંદર્ભમાં તે કેટલા ફળદાયી છે તે તપાસવાનું રહે છે અને કેવાં પરિણામો તેમાંથી ક્રિયા/અમલીકરણ દ્વારા આવી શકે તેને સમજવામાં આવે તો તે ઘણું છે.
મનુષ્યની માન્યતા (belief) કે કોઈ ગૂઢ માનસિક તત્વ છે અને વાસ્તવને તે કોઈ અગમ્ય રીતે પ્રતિબિંબિત કરે છે તે અંગે વિચારવાની જરૂર નથી. વાતાવરણ સાથે કામ પાડવામાં મનુષ્યને જે ઉપયોગી નીવડે તે સત્ય. જે જીવનપોષક હોય, લાંબા ગાળે હિતસાધક હોય તે સત્ય. ધાર્મિક માન્યતાઓ ખૂબ લાંબું ટકે છે.
બધી જાતના લોકોને તે માન્યતાઓથી બળ કે દિલાસો કે પ્રેરણા મળે છે અને સંતોષકારક જીવનશૈલી તેમાંથી ઘડાય છે. ધાર્મિક કે વૈજ્ઞાનિક જ્ઞાન કેટલું ઉપકારક છે તે જોવાનું હોય છે.
શુદ્ધ બુદ્ધિ અને તર્ક વિરુદ્ધ વ્યવહારવાદી વાંધો ઉઠાવે છે અને બુદ્ધિ સાથે સંકલ્પનું મહત્વ આંકે છે. સંકલ્પ પ્રવૃત્તિમાં અંગત રસ લે છે અને બુદ્ધિ તથા તર્કને વિશેષ પ્રેરણા આપે છે. સંકલ્પ એ માનવજીવનમાં મૂલ્ય સર્જે છે. આને લીધે વ્યવહારલક્ષી દૃષ્ટિબિંદુને ‘બુદ્ધિવિરોધી’ દૃષ્ટિબિંદુ પણ કહેવામાં આવે છે.
‘બુદ્ધિવાદ’નો એક અર્થ એવો થાય છે કે સત્વને જાણવા માટે કેવળ બુદ્ધિ સહાયરૂપ છે. આ વિરુદ્ધ રહસ્યવાદ અને જે ચિંતકો પ્રત્યક્ષ સાધનને ગણનામાં લે છે અને તેની હિમાયત કરે છે એ સત્વને જાણવાના સાધન તરીકે બૌદ્ધિક પ્રક્રિયાને અપૂર્ણ લેખે છે.
હેનરી બર્ગસૉં (1859-1941) અને એફ. એચ. બ્રેડલી (1846-1924) કેવળ બુદ્ધિને શુદ્ધ સાધન તરીકે આવકારતા નથી, પરંતુ પ્રત્યક્ષ સાધનની હિમાયત કરે છે; જ્યારે ‘બુદ્ધિ’ શબ્દ વાપરવામાં આવે છે ત્યારે એ અર્થમાં જી. ડબ્લ્યૂ. એફ. હૅગલ અને તેના અનુયાયીઓ બુદ્ધિવાદી છે એમ સમજવાનું છે, કારણ કે તેઓ એમ માને છે કે તત્વજ્ઞાન એ તર્કનું ઉત્તમ આલેખન છે અને સત્-તત્વને જાણવા માટે એ ઉત્તમ સાધન છે.
આ સિવાય ‘બુદ્ધિવાદ’નો બીજો અર્થ એ થાય છે કે સત્તા સ્વયં મનના અને બુદ્ધિના સ્વરૂપવાળી છે. નિરપેક્ષ વિચારવાદીઓ માને છે કે અંતિમ સત્તા તર્કયુક્ત છે. આ સંદર્ભમાં અમેરિકાના વ્યવહારવાદી ચિંતકો જ્ઞાનમીમાંસક બુદ્ધિવાદની આકરી ટીકા કરે છે.
બુદ્ધિ દ્વારા ભાવવાહી શુદ્ધ સૈદ્ધાંતિક રચના થાય છે તેનો વ્યવહારવાદ વિરોધ કરે છે; કારણ કે આવી ભાવવાહી સૈદ્ધાંતિક રચના સક્રિય જીવંત અનુભવથી તદ્દન વિમુખ હોય છે.
ઉત્ક્રાંતિમાં અનુકૂલનના વિશિષ્ટ સાધન તરીકે બુદ્ધિ એક સાધન છે એવું વ્યવહારવાદીઓનું મંતવ્ય છે. બુદ્ધિને શુદ્ધ બુદ્ધિ તરીકે લેખી તેનું વધુ પડતું મૂલ્ય આંકવાનું નથી. જ્ઞાન એ કામ કે કર્તવ્ય માટેનું આયોજન કે પૂર્વતૈયારી છે.
વિચાર કરવો એટલે કોઈ સમસ્યાને વહેવારુ રીતે ઉકેલવાની રીતિ અખત્યાર કરવી. પ્રાણીજગતમાં ઉંદર, બિલાડી કે વાનર પીંજરામાં કે પીંજરાની બહાર અટપટી રીતિને ઓળંગીને ખોરાક પ્રાપ્ત કરવા યોજના રચે છે તેમ મનુષ્ય પોતાના ધ્યેયને મેળવવા વિવિધ પ્રયત્ન અને ભૂલના પ્રયાસો અજમાવે છે.
આ ઉપરાંત બુદ્ધિ એ મનનું હાર્દિક લક્ષણ છે. તેને વ્યવહારવાદ નકારે છે. વિચાર કે બુદ્ધિ કરતાં સંકલ્પ એ આપણા મનનું હાર્દિક સ્વરૂપ છે. વ્યવહારવાદીઓ એમ માને છે કે સત્વનું હાર્દિક સ્વરૂપ અપરિવર્તનશીલ નથી, એ પરિવર્તનશીલ અને સક્રિય છે.
સત્ય અને અસત્ય વચ્ચે જે ભેદ પાડવામાં આવે છે તેની વ્યાવહારિક ચકાસણી કરવી જોઈએ. કોઈ પણ વિચાર કે માન્યતાને સાચી માનવામાં આવે તો એમ કરવાથી કોઈ વ્યક્તિના જીવનમાં કયા નોંધપાત્ર ફેરફાર થવા પામે છે ? આમ આ સિદ્ધાંત સત્યની વ્યાખ્યા રચવા માટે નથી, પરંતુ સત્યની પરીક્ષા કરવા માટે છે.
અહીં વ્યવહારલક્ષી માપદંડના બે અર્થ છે : એક એ કે માન્યતા અને વિચારની અનુરૂપતા તેમજ આનુષંગિક પરિબળોની ચકાસણી કરવી અને બીજો અર્થ એ કે જૈવિક અનુકૂલન પ્રાપ્ત કરી કાર્યદક્ષ બનવું. પહેલો અર્થ અનુરૂપતા અને સંવાદિતાના માપદંડો સાથે મળતો આવે છે.
જે વિચારકો અનુરૂપતા અને સંવાદિતાના માપદંડોમાં માને છે એ પણ સંતોષકારક વ્યવહારુ પરિણામને સત્યની કસોટી તરીકે આવકારે છે; પરંતુ જ્ઞાનના વ્યવહારુ સિદ્ધાંત પર જીવશાસ્ત્રની વધુ અસર થવાથી જ્ઞાન અને સત્યની વિભાવના પણ ધીમે ધીમે બદલાઈ. જ્ઞાન એ કેવળ પૂર્વ અસ્તિત્વ ધરાવતી સત્તાની નકલ કે અરીસામાં પ્રતિબિંબ પાડવાની રીત નથી, પરંતુ કાર્યદક્ષ પ્રવૃત્તિ માટે જૈવિક સાધન છે.
આમ જ્ઞાનની સત્યતા કે તેની યથાર્થતા એ ઉપયોગિતા કે વ્યવહારુદક્ષતા પર આધારિત છે, એ વાતાવરણ પ્રત્યે સભાન પ્રતિક્રિયા કે ભવિષ્યના કાર્ય માટે આયોજન છે, એ ભૂતકાળની ક્રિયા નથી; પરંતુ ભવિષ્ય તરફ ગતિ કરતી પ્રવૃત્તિ છે.
જો જ્ઞાનને જૈવિક માળખામાં સમજવાનું હોય તો તેનો નિર્દેશ ભવિષ્યના લક્ષ્ય તરફ છે, અને હકીકત સાથેની અનુરૂપતા અને અનુકરણનો કોઈ પ્રશ્ર્ન ઉપસ્થિત થતો નથી. પ્રતિક્રિયા અંગે કે તેની યથાર્થતા વિશે જે વાજબી પૂછવા જેવું છે તે એ કે કર્તવ્યનું આયોજન વ્યવહારુ રીતે સંતોષજનક છે અને હેતુ તથા લક્ષ્યને પાર પાડે છે કે નહિ.
જ્ઞાનની સત્યતા કે તેની યથાર્થતા એ વ્યવહારુ કાર્યદક્ષતા કે ઉપયોગિતા પર આધાર રાખે છે. ‘સત્ય’નો ભાવાર્થ વ્યવહારવાદીઓ સત્-તત્વના સંદર્ભમાં લેતા નથી; જે અન્ય માપદંડના હિમાયતીઓ લે છે; પરંતુ જે જ્ઞાન જીવનમાં વ્યવહારુ અને ઉપયોગી નીવડે છે તે સંદર્ભમાં આ ભાવાર્થને લેવાયો છે.
આ ઉપરાંત માનવ-પ્રયોજન અને મૂલ્યાંકનથી સત્ય એ તદ્દન સ્વતંત્ર હકીકત નથી, મનુષ્યને જ્ઞાન કેટલે અંશે ઉપયોગી જણાય છે તેના પર સત્યનો આધાર છે. જેમ માપનાં સાધનોને વર્ણવવા ભારે, હલકાં, લાંબાં, ટૂંકાં એવાં વિશેષણો અપાય છે તેમ માનવમૂલ્યાંકનની અસર વ્યક્ત કરવા જ્ઞાન કે મંતવ્યોને સાચાં કે ખોટાં કહેવાય છે.
જ્ઞાન સ્વત:પણે સાચું કે ખોટું કશું નથી. ગુણ તરીકે પણ સત્ય એ માનવહેતુ અને મૂલ્યાંકનને સાપેક્ષ રહે છે. સત્ય માનવસર્જિત છે અને આ કસોટીની પ્રક્રિયા દ્વારા સત્ય ઉત્પન્ન થાય છે. માન્યતાનું સત્યશોધન એ ખરેખર તો માન્યતાનું સત્ય છે.
વિલિયમ જેમ્સ કહે છે કે વિચારનું સત્ય એ તેમાં રહેતો કોઈ કાયમી સ્થિર ગુણધર્મ નથી. તેનું સત્ય એ ખરેખર કોઈ બનાવ કે કોઈ પ્રક્રિયા છે. વિચાર સાચો ‘બને’ છે. બનાવો દ્વારા એ સાચો બને છે. જેમ અનુભવની પ્રક્રિયામાં તંદુરસ્તી, પૈસો અને સામર્થ્ય પ્રાપ્ત થાય છે તેમ સત્ય પ્રાપ્ત થાય છે.
જ્ઞાન ઉપયોગી નીવડે છે કે નહિ એ પરથી તે સત્ય છે કે નહિ તેનો નિર્ણય લેવાય છે. જેમ્સ કહે છે કે અમુક સંજોગોમાં વિશ્વાસથી પણ તે સાચું છે એમ માની લેવામાં આવે છે. એવા સંજોગોમાં તેમાં ‘સંશોધનક્ષમતા’ રહી છે એમ કહેવાય.
જ્ઞાન સત્ય છે કે નહિ તેનો નિર્ણય કરવા માટે અનુભૂતિની વિશિષ્ટ હકીકતો પ્રત્યે નિર્દેશન કરી તેની ખાતરી કરી લેવી એ અત્યંત જરૂરી છે. આ નિર્દેશન કાં તો તદ્દન પ્રત્યક્ષ ખુલ્લું હોય અથવા પરોક્ષ કે અન્ય પર આધારિત હોય.
પૃથ્વી અંગેનો જે ટૉલેમીનો સિદ્ધાંત હતો કે સૂર્યમાળાનું કેન્દ્ર એ પૃથ્વી છે એ અમુક હેતુઓ માટે સાચો સિદ્ધાંત હતો, કારણ કે તેના શોધકે જે બનાવો શોધ્યા તેને સમજાવવા એ સિદ્ધાંત શક્તિમાન હતો; પરંતુ જે અન્ય બનાવો હતા તેને સમજાવવા માટે એ ઉપયોગી સિદ્ધાંત નીવડ્યો નહિ.
એ માટે કૉપરનિકસનો સિદ્ધાંત શક્તિમાન નીવડ્યો. આમ જૂનાં સત્યો નવાં સત્યો માટે જગ્યા કરી આપે છે, અને નવા સંતોષકારી સિદ્ધાંતો અસ્તિત્વમાં આવે છે.
તો શું કોઈ પણ અનિવાર્ય, નિરુપાધિક કે નિરપેક્ષ સત્ય રહ્યું નથી ? વિચારોમાં સંબંધો રહ્યા છે, જેને હ્યુમ જેવા અનુભવવાદી પણ જરૂરી રીતે કબૂલે છે તે વિશે શું ? આ અંગે જૂના વ્યવહારવાદીઓ અને તેના વર્તમાન હિમાયતીઓ વચ્ચે મતભેદ પ્રવર્તે છે. આ બાબતમાં જેમ્સ હ્યુમ સાથે સંમત થતા હોય એમ લાગે છે. ‘‘શુદ્ધ માનસિક વિચારોમાં સંબંધો છે, જે અન્ય પ્રદેશની રચના કરે છે.
અહીં સાચી અને ખોટી માન્યતાઓ જે નિરપેક્ષ અને બિનશરતી હોય તે વેગ પકડે છે.’’ આમ જેમ્સની વિચારસરણી જૂના અને નવા અર્થઘટન અને ફેરફાર વચ્ચે સેતુ સમાન બને છે. ડ્યૂઈ એમ માને છે કે વિચારો, વિભાવનાઓ, સિદ્ધાંતો જેનો જ્ઞાનમાં સમાવેશ થાય છે તેમાં કોઈ સાહસ રહ્યું છે અને કર્તવ્યનું કોઈ આયોજન છે.
એ સાંગોપાંગ રીતે પ્રાયોગિક અને કામચલાઉ છે. શિલર કહે છે કે ગાણિતિક વિધાનો 2 + 2 = 4 એ ખરેખર તો સોપાધિક વિધાન છે. અમુક વિચારોને વાજબી ઠરાવતા અનુભવોને અને તેનાં તથ્યોને એ સાપેક્ષ રહે છે. જો બે વસ્તુઓ અને અન્ય બે વસ્તુઓ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખતી હોય તો એને ભેગી કરવાથી ચાર થવા જાય છે; પરંતુ જો પાણીનાં બે ટીપાં સાથે પાણીનાં બીજાં બે ટીપાંને ભેગા કરવાથી ચાર થવાને બદલે એ એક મોટું ટીપું થવા જાય છે અથવા શિલર કહે છે કે ‘‘બે ઘેટાં અને બે સિંહને એકઠાં કરવાથી આ અમૂર્ત વિધાન સત્ય ફલિત થતું નથી.’’
કોઈ ચોરસ એ વર્તુળ હોતો નથી’ એ વિધાન પણ સોપાધિક રીતે સાચું હોય છે; કારણ કે બોલનાર વર્તુળ કે ચોરસને કયા અર્થમાં લે છે તેના પર આધાર રાખે છે.
સત્-તત્વ વિશે જેમ્સ અને શિલર કોઈ નિત્ય, શાશ્વત તત્વનો નિર્દેશ કરતા નથી, પરંતુ જે સામાન્ય અનુભવના વ્યાપમાં શક્ય છે તે સંદર્ભમાં જેમ્સ ત્રણ સ્તર જુદા દર્શાવે છે. એક, સંવેદનોની ક્ષણિકતા; બીજું, મનુષ્યનાં સંવેદનો કે તેની નકલ વચ્ચેના સંબંધો અને મનતત્વમાં તેનું સ્થાપન; ત્રીજું, સ્તર એ ભૂતકાળમાં જે અનુભવ સ્થિર થયો છે તે તત્વ. આ સંદર્ભમાં સવિશેષ, જેમ્સ કહે છે કે અનુભવનું ઉપાદાન બહારથી મળતું હોય તેમ બને પરંતુ તેમાંથી આકાર અને મૂર્તિ બનાવવામાં આવે છે તે આપણા દ્વારા જ છે. જે દૃષ્ટિમાં તેને રજૂ કરવા ઇચ્છીએ છીએ તેના પર સત્-તત્વનો આધાર છે.
અહીં જેમ્સ દ્રવ્યના અર્થઘટન પર ભાર મૂકે છે. જેમ તથ્યો વિવિધ છે તેમ સત્યો અનેક છે. સત્-તત્વ કે સત્યને એકતત્વમાં બાંધી દેવાથી તેમાં માનવહેતુ રહેતો નથી. ગ્રીક વિદ્વાન પ્રોટાગોરાસે કહ્યું હતું કે ‘‘સઘળી વસ્તુઓનો માનદંડ તે મનુષ્ય છે’’. માનવહેતુ પ્રયોજન અને તેની અસ્મિતા તે સત્યનો મહત્વનો ગુણ રહેવા જોઈએ.
આમ છતાં શિલર અને જેમ્સ કોઈ અજ્ઞાત્ સત્-તત્વમાં માને છે. માનવમતે તેના પર કંઈક કાર્યશીલ બનવા લાગે તે પહેલાં કોઈ પ્રદત્ત તરીકે આ અજ્ઞાત તત્વ રહે છે.
અમુક અંશે શિલરના મંતવ્યને ‘સર્વ માનસવાદ’ પણ કહેવામાં આવે છે. આમ છતાં શિલર સ્વયં ‘માનવતાવાદ’ને પ્રાધાન્ય આપે છે. જ્યાં જ્યાં પ્રાણતત્વ છે ત્યાં માનવ-અર્થ પણ રહ્યો છે. જેમ્સ બહુત્વવાદમાં માને છે, એ સામાન્ય અનુભૂતિને આવકારે છે; પરંતુ તેનું સ્વરૂપ તે ‘તટસ્થ’ છે એમ સમજે છે.
જેમ્સને ધાર્મિક અનુભૂતિ માટે વિશેષ આદરભાવ છે. તેમણે 1902માં ‘‘વેરાઇટીઝ ઑવ્ રીલિજિયસ એક્સપીરિયન્સ : એ સ્ટડી ઇન હ્યુમન નૅચર’’ ગ્રંથ લખ્યો.